અંબાજી મુકામે કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે વ્યસનમુક્તિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો

રિપોર્ટ- (kotdatimes.com)
17/10/2020
(માહિતી બ્યુરો,પાલનપુર)

અંબાજી(બનાસકાંઠા),
યાત્રિકોએ કલેક્ટરશ્રીની ઉપસ્થિતીમાં માતાજીના ચરણમાં વ્યસન છોડવાના સંકલ્પ લીધાં.
નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી ખાતે બનાસકાંઠા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે વ્યસનમુક્તિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના શક્તિદ્વાર ખાતે કલેક્ટરશ્રીએ યાત્રિકો સાથે સંપર્ક કરી વ્યસનથી થતાં નુકશાન અને મુશ્કેલીઓ સમજાવી સંકલ્પપત્રોનું વિતરણ કર્યું હતું. કલેક્ટરશ્રીની અપીલને પગલે યાત્રિકોએ કલેક્ટરશ્રીની ઉપસ્થિતીમાં માતાજીના ચરણમાં વ્યસન છોડવા સંકલ્પ લીધા હતા.
અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી બીડી, સિગારેટ, પાન-મસાલા જેવા કે અન્ય વ્યસનો ધરાવતા લોકો સંકલ્પ પત્રમાં જરૂરી વિગતો ભરી માતાજીના ચરણમાં વ્યસન છોડવા સંકલ્પ લેશે.વ્યસનમુક્તિ અભિયાનથી ઘણા લોકો માતાજીના ચરણોમાં વ્યસન છોડીને તંદુરસ્ત અને સુખી જીવન પામશે.નવરાત્રિના નવ દિવસો સુધી આ અભિયાન ચાલશે.
આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરશ્રી એસ. જે. ચાવડા, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રિના પ્રારંભ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે અંબાજી મંદિરમાં ઘટસ્થાપન પૂજન વિધિ પણ કરાઈ
નવરાત્રિના પ્રારંભ પ્રસંગે કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત રીતે મંત્રોચાર સાથે ઘટસ્થાપન પૂજન વિધિ કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી પરિવાર સાથે આ પૂજનવિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે શ્રી ભટ્ટજી મહારાજ અને વિદ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

909 views