ઉત્તરાયણના તહેવારને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

(માહિતી બ્યુરો, પાલનપુર)
રિપોર્ટ-(Kotdatimes.com)
30/12/2020

ઉત્તરાયણના તહેવારો તેમજ અન્ય તહેવારો દરમ્યાન સ્કાયલેન્ટર્સ ઉડાડવાની પ્રથા ચાલુ થયેલ હોઇ સ્કાય લેન્ટર્સ પવન કે અન્ય વસ્તુ સાથે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. તેમજ સ્કાય લેન્ટર્સ એકવાર ઉડાન કર્યા પછી ગમે તે જગ્યાએ પડી શકે છે. તેમજ વિદેશમાંથી ગેરકાનૂની રીતે આયાત થાય છે. વળી તે સસ્તા મટીરીયલમાંથી બનાવામાં આવતા હોઇ પર્યાવરણને પણ નુકશાન થાય છે. નામ.ગુજરાત હાઈકોર્ટના તા.૨૨/૧૨/૨૦૧૫ના હુકમ તથા નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષની અન્ય રીટ પીટીશન (પી.આઈ.એલ.) નં.૨૫૩/૨૦૧૬માં નામ.ગુજરાત હાઈકોર્ટના તા.૧૩/૦૧/૨૦૧૭ના હુકમથી આપેલ ડાયરેકશન મુજબ ચાઈનીઝ માંઝા/ નાયલોન/પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર તથા નેશનલ ગ્રીન ટીબ્યુનલ,નવી દિલ્હી સમક્ષની ઓરીજીનલ એપ્લીકેશન નં.૩૮૪/૨૦૧૬ તથા ૪૪૨/૨૦૧૬માં તા.૧૧/૦૭/૨૦૧૭ના હુકમથી આપેલ ડાયરેકશન અન્વયે પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થો, સ્કાય લેન્ટર્સ (ચાઉનીઝ તુકકલ) ઉડાડવા, પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝાના ઉતરાયણના તહેવાર દરમ્યાન ખરીદ, સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૩૦/૧૨/૨૦૨૦ થી તા.૩૧/૦૧/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેક્ટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.-૧૮૮ તથા ગુ.પો.અધિ. ક.૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

821 views