
રિપોર્ટ- (kotdatimes.com)
12/01/2021
આદિવાસી સમાજમાં કેટલાક કુરિવાજો અત્યારના આધુનિક યુગમાં પણ ચાલુ જોવા મળે છે જેના કારણે સમાજ ઘણો પાછળ ધકેલાતો હોય તેવો આભાસ થાય છે,જેને ધ્યાનમાં રાખી આવા કુરિવાજો ને કેટલાક વિસ્તારો કે તાલુકાઓ માં બંધ કરાવવાના પ્રયાસો થતા જોવા મળી રહ્યાં છે જે યોગ્ય પગલા જણાતાં પોશીના તાલુકાના એવા નાયબ કલેક્ટર ચોટીલા ખાતે ફરજ બજાવતા શ્રી આર.બી.અંગારી સાહેબ દ્વારા કેટલાક મનના વિચારો સમાજલક્ષી અને સમાજના હિતને ધ્યાનમાં રાખી જનતા સમક્ષ ખુલ્લા મૂક્યાં છે.
નાયબ કલેક્ટર સાહેબ શ્રી જણાવે છે કે આપણા સમાજના કુરિવાજો નાબૂદ કરવાથી ખેડબ્રહ્મા,પોશીના તથા દાંતા તાલુકાના એમ ત્રણેય તાલુકાના વર્ષે ઓછામાં ઓછા 20 થી 25 કરોડ રૂપિયાનો લોકાઈ પાછળ થતો ખોટો ખર્ચ બચાવી શકાય તેમ છે. તમને કદાચ નવાઈ લાગશે કે આટલા રૂપિયા કેવી રીતે થાય તો તમને ઉદાહરણ આપું છું કે મહિનાના ચાર રવિવાર ઓછામાં ઓછા હોય છે અને દરેક તાલુકામાં ઓછામાં ઓછી સાત થી આઠ લોકાઈઓ દર રવિવારે થાય છે એ મુજબ ગણતરી કરતા ત્રણેય તાલુકાની મહિનાની 20 લોકાઈ થાય છે. દરેક લોકાઈમાં રૂમાલ, ખાંડ, ભોજન ખર્ચ તથા દવા દારૂ સહીત ઓછામાં ઓછા રૂ. 5, 00, 000/- (પાંચ લાખ પુરા )જેટલો ખર્ચ થાય છે એટલે 20 લોકાઈ પાછળ મહિનાના એસી(80) લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે જેમાં આવવા જવાના ભાડાનો સમાવેશ કરેલ નથી. આટલા રૂપિયા આપણે બિનજરૂરી ખર્ચ કરીને સ્થાનિક વેપારીને સુખી કરવાનું અને આપણા સમાજના લોકોને વધુ ગરીબ બનાવવાનું કામ કરીએ છીએ. જો આટલા નાણાં આપણા યુવાનોના ભણતર પાછળ ખર્ચ કરીએ તો એનું પરિણામ શું આવી શકે તેની તમે લોકો કલ્પના કરો તો પણ અંદાજ આવી જશે. જેથી બીજા લોકોના વિચારોની ગુલામીમાંથી બહાર આવી આપણા સમાજના હિતમાં અને આવનારી આપણી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજથી કામે લાગી જવા નવ યુવાનોને મારી હાર્દિક અપીલ સાથે વિનંતી છે.
ઉપરના ઉદાહરણ ઉપરથી જો ખ્યાલ આવ્યો હોય તો આપણા ત્રણેય તાલુકામાં હેડ ક્વાટર્સ ખાતે સમાજ સંકુલ ઉભા કરવામાં જો આ ખોટા ખર્ચમાં વપરાતા નાણાંનો ઉપયોગ કરીને સારામાં સારા સમાજ સંકુલ ઉભા કરીને આવતી પેઢીને આપણે સારો વારસો આપી શકીએ તેમ છીએ એટલે મિત્રો અમો આવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કામ કરી રહેલ છીએ અને આવનારા દિવસોમાં સપનું દેખાતું કામ કરીને બતાવવાના છીએ તો એ દિશામાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરીએ એવી પણ સમાજના યુવાનો અને સમાજના લોકોના હિત માટે આપ સૌ પાસે અપેક્ષા છે.