CM રૂપાણી દ્વારા ગત સપ્તાહે કરવામાં આવેલા જનહિતલક્ષી ૧૧ કાર્યોની ઝલક

રિપોર્ટ-કોટડાટાઇમ્સ(kotdatimes.com)
05/10/2020

ગુજરાત,
ખેડૂતો, કામદારો, યુવાનો, મહિલાઓ, વાલીઓ, વૃદ્ધોથી લઈ તમામ નાગરિકોની સુખ-સુવિધા અને સુરક્ષામાં વધારો કરતા કામકાજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક અઠવાડિયામાં કર્યા*

*મફત અનાજ, લોન સહાય, ફીમાં રાહત, ફાયર સેફટી ફરજીયાત, નલ સે જલ, પ્રવાસન અને રમતગમત ક્ષેત્રનો વિકાસ, માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા મુખ્યમંત્રીશ્રીનાં નિર્ણયો-કાર્યોની માહિતી મેળવો આ લેખમાં*

૧. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડીયાપાડા તાલુકાના ૨૨ મળી ૭૩ આદિજાતિ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને બારમાસી સિંચાઈની સવલત આપવા તાપી-કરજણ ઉદવહન સિંચાઈ યોજના મંજૂર કરેલી. તેમણે આ યોજનાના કામોના રૂ. ૬૫૧ કરોડના ટેન્ડરને મંજૂરી આપતા હવે આ કામો ત્વરાએ શરૂ કરાશે.

૨. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરેન્દ્રનગર – દૂધરેજ – વઢવાણ નગરપાલિકા દ્વારા રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે નિર્માણ કરવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ તેમજ અંદાજિત રૂપિયા ૧૨.૬૫ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર શહેરમાં નિર્માણ પામનાર સી. સી. રોડ તેમજ રોડ નવિનીકરણના કાર્યનું ઈ-ખાતમુર્હૂત કર્યું હતુ. આ તકે તેમણે આર. એ. વાય. યોજના અંતર્ગત નિર્માણ પામેલ ૪૮૦ આવાસોના લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા આવાસની ફાળવણી પણ કરી હતી.

૩. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં ૬૯.૮૪ કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં ૧૨૪ કિલોમીટર ભૂગર્ભ ગટર યોજનાના ખાતમૂર્હત સહિત સમગ્રતયા ૯૨.૭૫ કરોડના વિવિધ લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું. અરવલ્લી જેવા નવરચિત જિલ્લામાં ભૂગર્ભ ગટર યોજના સાથે ૧૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૩૮ રૂમના કુમાર છાત્રાલય બોયઝ હોસ્ટેલનો લોકાર્પણ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત ૨ કરોડ લાખ ૯૯ લાખના નવા ભવન અને ૧.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટા બકરા સેવા કેન્દ્રનો પણ આરંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો.

૪. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધીરાણ આપવા માટે મહિલા સમૃધ્ધિ યોજના, માઈક્રો ક્રેડીટ ફાઈનાન્સ યોજના, વ્યકિતગત લોન યોજના, ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ, પેસેન્જર ઓટોરીક્ષા, ડેરી યુનિટ (પશુપાલન) અને જીપ-ટેક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ટકા લોનની રકમ આપવામાં આવશે. જેમાં ઠક્કરબાપા પુન:સ્થાપન યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦૦૦ અને વધુમાં વધુ રૂ. ૭૫૦૦૦ સુધીની સબસીડી મળવાપાત્ર રહેશે.

૫. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. ૨૫.૬૭ કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવ્યું હતું. આ આંબરડી સફારી પાર્ક કાર્યરત થતાં ધારી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતુ થશે એટલું જ નહીં ટ્રાવેલ, ટેક્સી, હોટલ અને ખાનપાન વ્યવસાયને પણ નવું બળ મળતા સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે.

૬. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાલીઓને સ્કૂલ ફીમાં ૨૫% રાહત આપવાની જાહેરાત કરી છે. સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં ૨૫%ની રાહત આપવામાં આવશે. સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં. ૨૫% ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને CBSEની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે.

૭. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. રૂપાણી સરકાર આ હેતુસર પ્રાઈવેટ યુવા ઈજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેક્ટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રિન્યુઅલ કરાવવું પડશે.

૮. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો વિકસિત કરવાના ત્રિવિધ વિકાસકામોના ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. રૂપાણી સરકારે છેક ગ્રામીણ સ્તરે રમતગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે. રમત ગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.

૯. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦% હર ઘર જલ – નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.

૧૦. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલા, બાળ કલ્યાણ વિભાગ આયોજિત બહુવિધ વિકાસ અવસરમાં બાયસેગ સેટેલાઈટ પ્રસારણ માધ્યમથી જોડાઈ આ કાર્યક્રમો અંતર્ગત ૧૦૦૧ જેટલી આંગણવાડી અને બ્લોક કચેરીઓના ઈ-લોકાર્પણ ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું.

૧૧. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને ઉપરાંત NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા  BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકો, બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાસ્પર્શી અભિગમ દાખવ્યો છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,011 views