
રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
24/09/2020
દાંતા તાલુકામાં આવેલ સાંઢોસી ગ્રામપંચાયતમાં આવતા છ જેટલા ગામોમાં છેલ્લા વર્ષ-2011 થી અત્યારસુધી ભ્રષ્ટાચાર થતો હોવાનું ગ્રામજનો તેમજ ગામના જાગૃત મહિલા અન્નપૂર્ણાબેન મણીલાલ ડાભી દ્વારા જાણવા મળ્યું છે.સાંઢોસી ગામમાં તેમજ પંચાયત હેઠળ આવતા ગામોમાં કૌભાંડ થઇ રહેલ હોવાનુ ગામલોકો દ્વારા જાણવા મળતાં અન્નપૂર્ણાબેન મણીલાલ ડાભીએ તમામ વિગતવાર આરટીઆઈ(RTI) માહિતી માંગતા ખૂબ જ મોટા પ્રમાણમાં ગ્રાન્ટો ઉચાપત થયું હોવાનું બહાર આવ્યું છે.જેની વિગતો પુરાવા સદર આપેલ છે.ગામમાં પાણીના ટાંકા તેમજ પાઇપલાઇનની સગવડ વાસ્મો યોજના હેઠળ ગામમાં કનેક્શન સાથે પાણી પૂરું પાડવા અંગેના નિયંત્રણ હેઠળ આજ દિવસ સુધી પૂરું પાડવામાં આવેલ નથી.અને કેટલીક જગ્યાએ પાઈપલાઇન બનાવી આપેલ પરંતુ આજ સુધી ત્યાં પાણીની એક બુંદ પણ નાખેલ નથી.ડાભીવાસના ફળિયા ના લોકો તેમજ ડાભી તેજાભાઈ જણાવે છે કે અમારા ફળિયાની અંદર હેડપંપની સગવડ પણ પુરી પાડેલ નથી.ઉપરાંત મનરેગાના માટીકામ રસ્તાઓ માટે લોકોના જોબ કાર્ડ લઇ સરપંચે પોસ્ટ દ્વારા બારોબાર પૈસા ઉપાડેલ છે અને સ્થળ પર કોઇ વ્યવસ્થિત કામ પૂરું કરેલ નથી.વધુમાં અન્નપૂર્ણાબેને જણાવ્યું કે 2011-12 તેમજ 2013 થી માંડીને 2020 સુધી ગ્રાન્ટોનું પુરેપૂરું કૌભાંડ થયું હોવાના પુરાવા અમારી પાસે છે,ગ્રાન્ટો પુરેપુરી વપરાયેલ હોવાની વિગતો હોવાછતાં ગામમાં સરકારશ્રી તરફથી વિકાસ થયો નથી.વધારે વિગતવાર માહિતી માંગતા અમો ગામલોકોના નિર્ણયને ધ્યાને લઈ આરટીઆઈ માહિતી માંગેલ પરંતુ આજ-દિન સુધી દાંતા તાલુકા પંચાયતથી કોઈ તપાસ પણ કરવામાં આવી નથી.

વધુ વિગત ટેલિફોનીક વાતચીત માં હિરેનભાઈ પુનમભાઈ સાથે અમને સરપંચશ્રી કહે છે કે હું કોંગ્રેસ પાર્ટીનો વ્યક્તિ છું હું પહેલેથી જ અમીર છું,મારી પાસે ધન-સંપત્તિ,રૂપિયા મને વારસાઇથી મળી આવેલ છે,મને પંચાયતના રૂપિયા ખાવાનો કોઈ શોખ નથી.આ ઉપરાંત તલાટીશ્રી નારણભાઈ કટારીયા જણાવે છે કે ડાભી અન્નપૂર્ણાબેને આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ તે અમોએ પૂરી પાડેલ છે.કેટલીક માહિતી નથી પણ આપેલ અને તાલુકા વિકાસ અધિકારી,વિસ્તરણ અધિકારીની સાથે ટેલિફોનીક વાતચીત દ્વારા જાણવા મળ્યું કે જે કોઈપણ ગ્રાન્ટોનું કૌભાંડ થયું હશે તે બહાર જરૂરથી આવશે વધુમાં ઉપલા લેવલે જિલ્લા પંચાયત કક્ષાએ તપાસ મોકલી દેવામાં આવશે તેમ જાણવા મળી આવે છે.સાંઢોસીના ડાભી સંજયભાઈ દ્વારા જાણવા મળ્યું કે નાણાપંચની ગ્રાન્ટ જેવી કે આર.સી.સી રોડ અને હવાડાઓની ગ્રાન્ટો,દરેક ગામોની શાળાઓના શૌચાલયની ગ્રાન્ટો ઉચાપત કરી છે તેમજ પંચાયતના મગવાસ ગામમાં એક જ વ્યક્તિને સરકારી યોજનાના મકાનોનો ત્રણ વખત સરકારી મકાનના લાભ -સરદાર આવાસ યોજના,ઇન્દિરા આવાસ યોજના,અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવેલ છે.ગ્રામ પંચાયતના મકાનની યાદીના રજીસ્ટરો તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર નીકળશે તેવું ગ્રામજનો તેમજ અન્નપૂર્ણાબેન ડાભીનું કહેવું છે.સાંઢોસી ગ્રામપંચાયતના સરપંચોએ મોટા પ્રમાણમાં મકાનોની યોજનાઓમાં પણ કૌભાંડ કર્યું છે તેવું જાણવા મળ્યું છે.તેમજ મગવાસ ગામના ગમાર ફળિયામાં ગરીબ કુટુંબના લોકોને હજુ સુધી સરકારી મકાનોના લાભ મળ્યા નથી તેમ તલાટીશ્રી જણાવે છે.આ રીતે મોટા પાયે 2011 થી 2020 સુધી સરપંચોએ મોટામાં મોટું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યાં છે.ગામલોકોની માંગ છે કે લાંચ રિશ્વત બ્યુરો દ્વારા ગ્રામપંચાયત સાંઢોસીમાં તપાસ કરવામાં આવે જેથી કેટલા પ્રમાણમાં ગ્રાન્ટોના રૂપિયા વપરાયેલ છે તેની વિગતવાર માહિતિ મળે તેમજ ભ્રષ્ટાચાર થયેલ બહાર આવે.