બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ઉમેદવારી પ્રક્રિયામાં શિસ્ત માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે વાહન અને વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ

JUN 06 2025

ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. 

જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારમાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યમાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે. જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં અવ્યવસ્થા ઊભી થાય છે. આવી પરિસ્થિતિ નિવારવા માટે ચૂંટણી આયોગ દ્વારા કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

ઉમેદવારી પત્ર ભરવા આવનાર ઉમેદવાર ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીને ૧૦૦ મીટર ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ સંબંધિત પોલીસ અધિકારીશ્રીએ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *