૧૫થી વધુ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા ખેડુત જયંતિભાઈ

ઓછા ખર્ચે વધુ નફો–રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું

છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ.૩.૬૭ લાખનો નફો મેળવતા દાંતા તાલુકાના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ

JUN 16 2025

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂતશ્રી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા ૧૦ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે. તેમણે રાસાયણિક ખેતી છોડી, સુભાષ પાલેકર પદ્ધતિના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને જીવનશૈલી તરીકે અપનાવી છે.

તેઓએ સરકારશ્રીની સહાયથી પોતાના ખેતરમાં “પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ” બનાવ્યું છે, જેમાં તેઓ મેથી, ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, ટામેટા, ડુંગળી, આંબા, નારિયેળી અને કેળા જેવા વિવિધ ધાન્ય, શાકભાજી અને ફળફળાદી પાકનું એકસાથે વાવેતર કરીને ઉત્પાદન મેળવે છે. ચાલુ વર્ષે માત્ર રૂ. ૧,૦૦,૦૦૦/-ના ખર્ચ સામે તેમણે રૂ. ૩,૬૭,૦૦૦/-નો ચોખ્ખો નફો મેળવ્યો છે, જેનો મુખ્ય આધાર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને ઓછા ખર્ચવાળી ખેતી છે.

તેઓ ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે. ખેતીની સાથે સાથે તેમણે ૧૫થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી છે અને આજુબાજુના અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.

જયંતિભાઈએ દેશી ગાય નિભાવ યોજના હેઠળ ગુજરાત સરકારશ્રી પાસેથી સહાય પણ મેળવી છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતોને અનેક યોજનાઓના અમલીકરણ સહિતની કામગીરી થઈ રહી છે. 

જયંતિભાઈ પ્રજાપતિ જિલ્લાના અન્ય ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે, તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે, જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ વધારે મળે. આજના બદલાતા સમયમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નથી, પણ એક જરૂરી ખેતી પદ્ધતિ છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *